ગુરુવાર, 3 જૂન, 2021

ગીત - પરસ્પરનું આકાશ

 


ઓ રે સખી તારું આકાશ હવે હું ને વળી મારું આકાશ હવે તું
,

પીંજરાંમાં પૂરાઈ કીયાં લગ રહેશું અલી ! આપણુંય ઊડવાનું શું ?

સોનાનું હોય તોયે પીંજરું કહેવાય એમાં

હોય નહીં આભના ઓછાયા,
પાંખો બે દીધી ભલી ઊડવાને કાજ હવે
છોડી આવ પીંજરાની માયા,
ઊજળાં આ નભ હેઠ રોટલોય મીઠો પણ પીંજરાંના મેવા ખારા થૂ.
પીંજરાંમાં પૂરાઈ કીયાં લગ રહેશું અલી ! આપણુંય ઊડવાનું શું ?

ડૂબવું જ હોય અલી દરિયે ડૂબાય કાંઈ
ખાબોચિયે ડૂબી ના મરવું,
તરવું જ હોય અલી સરવર તરાય કાંઈ
બાંધિયારા કૂવે ના તરવું,
પરપોટો ફોડીને વાયરો થઈ જાય એવું આપણેય થાઈ ચાલ છૂ,
પીંજરાંમાં પૂરાઈ કીયાં લગ રહેશું અલી ! આપણુંય ઊડવાનું શું ?
 
પાંખોમાં હામ ભરી ઊંચેરા ઊડશું અલી
જગ આખું આંખોમાં ઝીલશું,
બીજાના ટહુકાઓ બહુબહુ ઝીલ્યા હવે
આપણાં જ ટહુકામાં ખીલશું,
નભની વિશાળતામાં આપણી જ મોજ અને આપણું જ હોયે ઘૂટર ઘૂ.
ઓ રે સખી તારું આકાશ હવે હું ને વળી મારું આકાશ હવે તું,
- મુકેશ દવે 
અમરેલી 
તા.૦૪/૦૬/૨૦૨૧, શુક્રવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો