રવિવાર, 27 જૂન, 2021

ગઝલ - હસ્તલકીરા

રણઝણ વાગે જ્યાં મંજીરા,
હૈયે ઊમટે નરસિંહ – મીરાં.

કાયમ રડતા હોય નબીરા,
જીવી જાણે મસ્ત ફકીરા
 
નાદ અલખનો જાગી ઊઠ્યો,
સુખની એવી પ્રગટી પીરા.

સહેલું ના પોતાને મળવું,
પામે કોઈ માણસ ધીરા. 
 
આતમ ફરતાં જાળાં તોડી,
ચાદર વણતા ગાય કબીરા.

તો પણ સ્થિર રહે છે સંતો,
સુખ-દુ:ખના છો વાય સમીરા. 
 
મસ્તીમાં તો એ જ જીવે છે,
ખુદની દોરે હસ્તલકીરા.
-    -  મુકેશ દવે
    અમરેલી
તા.૨૬/૦૬/૨૦૨૧. શનિવાર

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો