બુધવાર, 9 જૂન, 2021

ગીત : અરસિક સાજણ

 


 

હોય છલોછલ વાવડી ને વાવડીના મીઠાં પાણી;

તોયે સાજણ તરસ્યા બેઠા.
છલક ઊછળે પાણીડાં ને પાણી ભીંજવે કેડસમાણી;
તોયે સાજણ કોરા બેઠા.
 
વાવડી ફરતી આંબાવાડી, આંબે બેઠી કોયલ ટહુકે,
આંબે ઝૂલે વસંતરાણી, ડાળેડાળે મંજરી મહેકે,
ફરફર વહેતો વાયરો ને ફોરમ લાવ્યો તાણીતાણી;
તોયે સાજણ આઘા બેઠા.
છલક ઊછળે પાણીડાં ને પાણી ભીંજવે કેડસમાણી;
તોયે સાજણ કોરા બેઠા.

વાવડીકાંઠે નેહ નીતરે, આંખોમાંથી મેહ વરસે,

પીડ દબાવી મુખડું મલકે, હૈયું પિયૂપિયૂ તરસે,
આંખે બેઠું આભલું ને આભે ચમકે વીજળીરાણી;
તોયે સાજણ ઝાંખા બેઠા.
હોય છલોછલ વાવડી ને વાવડીના મીઠાં પાણી; 
તોયે સાજણ તરસ્યા બેઠા.
-      - મુકેશ દવે 
aઅમરેલી
તા.૦૯/૦૬/૨૦૨૧, બુધવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો