(પ્રથમ બે પંક્તિ અમરમા ગુરુ સંત દેવીદાસના પુણ્ય સ્મરણ સાથે)
મેં તો સિદ્ધ રે જાણીને
તમને સેવિયા,
મેં તો બુદ્ધ રે જાણીને
તમને સેવિયા,
તમારી આંખ્યુંમાં જોયા કાળા નાગ;
એ જી નાગ; આવા રે નો'તા જાણીયા.
ગુરુજી શબદ વરાહે તમે મને
નોતરી,
ઘેલી થઈને દોડી જાણે કે તમ
દીકરી,
મેલાં ટેરવે ફૂટ્યા'તા નોખા રાગ;
હે જી રાગ; સર્યાં ત્યાં સાપોલિયા.
મેં તો સિદ્ધ રે જાણીને
તમને સેવિયા.
એવા દુરિજન ભોંકાયા મારી
આંખમાં,
મારો ભરોસો ભાંગીને ભળતો
રાખમાં,
તમારાં છાજિયાં કૂટીશું
સૈયરું સાથ
હે જી સાથ; ભર્યા હૈડે વિખોણિયાં.
મેં તો સિદ્ધ રે જાણીને
તમને સેવિયા.
સખીયું સામૈયા કરો રે
નોખી ભાતના,
સખીયું રંગોને ઉડાડો કાળી
રાતના,
એને પહેરાવો જોડા કેરો
હાર;
હે જી હાર; બોલાવો પાછળ
હુરિયા.
મેં તો સિદ્ધ રે જાણીને
તમને સેવિયા.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૩/૦૭/૨૦૨૧ શુક્રવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો