માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે બીજું શું ?
દિનરાત ઘૂઘવતો દરિયો હોય એમ અહીં
સોળવલ્લાં સપનાઓ ઘૂઘવે,
સામટી ખારાશ બધી પેટાળે ધરબીને
મીઠાં ઝરમરિયામાં ભીંજવે,
મુગ્ધાની આંખમાંથી ઉછળતાં યૌવનને દરિયો કહું કે બીજું
શું ?
માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે
બીજું શું ?
દરિયાની જેમ ઓલ્યા મનખાના મનડાને
હોય નહીં ખડકી કે ઝાંપા,
કાંઠાની ઝંખનામાં મોજાંઓ ઊછળે એમ
મનખાને હોય છે ઝૂરાપા,
વિજોગણ આંખમાંથી છલક્યા ઉજાગરાને દરિયો કહું કે બીજું
શું ?
માછલીની આંખમાથી ઉદ્ભવતા દૃશ્યોને દરિયો કહું કે
બીજું શું ?
- મુકેશ દવે
અ અમરેલી
ત તા.૧૨/૦૪/૨૦૨૧, સોમવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો