બુધવાર, 15 માર્ચ, 2023

ગીત - ગૃહિણી

સખી, એથી તો લીલપ છવાઈ ગઈ,
હાં રે હું તો આંગણામાં આખી રોપાઈ ગઈ.

આંગણામાં લજ્જાળું લ્હેરાતી જૂઈ
મને મોગરાની ફોરમ વીંટળાતી,
કેળ અને ચંપાના શીતળ ઓથારે હું
ઝીણીઝીણી કુંપળે કોળાતી,
કેવી વ્હાલપથી લથપથ થઈ !
હાં રે હું તો ફૂલડાંથી હરખે પોંખાઈ ગઈ.

ટોડલા ને તોરણમાં મોતીડે પ્રોવાઈને
ચાકળાના આભલે ગૂંથાતી,
વગડાથી મઘમઘતાં ઘેરાં લીંપણમાં હું
રઢિયાળી ભાતે ચીતરાતી,
હું તો ઓકળીએ ઓળપાઈ ગઈ,
હાં રે હું તો ભીત્યુંના રંગમાં રોળાઈ ગઈ.

ખોરડે ખમ્માયું ઝીલતાં રાંધણિયાંની
મીઠી સોડમ થઈને રેલું,
ચૂલાની આગમાંથી પ્રગટાવી સ્વાદ
ભૂખ્યાં ઉદરની આગને ઠારું,
ઠર્યાં અંતરનો ઓડકાર થઈ,
હાં રે હું તો આંધણમાં આખી ઓરાઈ ગઈ.

સૌના સમણાંમાં ડૂબ્યાં મારાયે સમણાં 
ને સૌની પીડામાં હું ઓગળી,
કાળની થપાટે હવે ખભળેલાં ખોરડાંમાં
અડીખમ ઊભી હું ઓરડી,
ઘેરા અંધારે ઘેરાઈ ગઈ,
હાં રે હું તો મારાથી આખી ખોવાઈ ગઈ.
- મુકેશ દવે
પાન્ધ્રો
તા.૦૯/૦૩/૨૦૨૩
ગુરુવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો