ગુરુવાર, 2 માર્ચ, 2023

ગીત - છલકેલાં નેણ

બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું,
છલકેલાં નેણમાં એવું શું ભળતું કે વહેતું પણ જળ એનું ખારુંખારું ?

સરવરની પાળ રખે તૂટે તો બાંધીને
ધસમસતા પૂર તમે રોકી શકો,
જિહ્વાના બંધ રખે ખૂલે તો વ્હાલપથી
ફાટફાટ વાણીને રોકી શકો,
આંખેથી ઉભરાતાં ઊના આ વ્હેણમાં ડૂબેલાં લોકને કેમ ઉગારું ?
બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું.

હૈયામાં ધરબેલી પીડાઓ પીગળીને
આંસુની ધાર થઈ દદડી પડે,
હળાહળ પીનારા શંભુની જેમ કોઈ 
એને પીનારોય વિરલો જડે,
શીતળધારામાં તો સૌ કોઈ ન્હાય પણ ફળફળતું બૂંદ રહ્યું સાવ નોધારું.
બોલેલાં વેણ ભલા સૌ કોઈ સમજે પણ છલક્યાં આ નેણને સમજે તો સારું.
- મુકેશ દવે
અમરેલી
તા. ૦૧/૦૩/૨૦૨૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો