રવિવાર, 19 માર્ચ, 2023

ગીત - શું કહેશો ?

કાલ ઊઠીને કોઈ પૂછે કે, આંસુનાં એક બૂંદની અંદર તળિયાં લગની ડૂબકી દેતા આવડે છે ? તો શું કહેશો ?
કાલ ઊઠીને કોઈ પૂછે કે, કોરીમોરી આંખો વચ્ચે ઝરણાં જેવું નિર્મળ વહેતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને છે, ઘૂવડ એની પીળી આંખે સૂરજ આંજી ભોંયની પીઠે કાજળકાળી રાતનું ખંજર ઘચ્ચાક દઈ ભોંકાવે,
એમ બને છે, નજરો ઊપર પલાણ થઈ અંધારું આવે ને પછી તો પાંપણ માથે નીંદર બેઠી રોફ જમાવે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, અજવાળાને ખભ્ભે નાખી રવિકિરણને ભેટી પડતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, સાવ અચાનક સુખસાગરના ટાપુ ઉપર ભડકે બળતો આભનો ટુકડો ધડામ કરતો આવે હેઠો,
એમ બને કે, એ ધરણી પર જળતરસતાં તરૂવર હેઠળ છાયતરસતો હાંકોબાંકો કરમફૂટલો ટળવળતો બેઠો,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, એ તરસ્યાને વાદળમાંથી ખોબેખોબે ટાઢક પાતાં આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, ભરઉનાળે ધોમધખેલા ઉજ્જડ રસ્તે અંકાયેલા પગલાંઓને લીલાલીલા ફણગા ફૂટે,
એમ બને કે, ભરચોમાસે ઝરમર ઝીલતી હરિયાળીની મોજ ભરીને ચાલ્યાં જાતાં પગલાંઓના અંજળ ખૂટે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, સાવ અનૂઠી કેડી ઉપર પગલાં માંડી આગળ ધપતા આવડે છે ? તો શું કહેશો ?

એમ બને કે, દશ્યભટકેલું કોઈ બિચારું ઊંટ પોતાની પીઠની ઉપર રણને લાદી છલકાતાં સરવરમાં નાખે,
એમ બને કે, રાજહંસો ધોળીધોળી પાંખ ભરીને આખેઆખું માનસરોવર પ્રાણતરસ્યાં રણમાં છાંટે,
કાલ ઊઠીને કોઈ પૂછે કે, પીડારણમાં ઊમટી પડતાં મૃગજળ ખાળી જીવી લેતા આવડે છે ? તો શું કહેશો ?
- મુકેશ દવે
અમરેલી
તા.૧૮/૦૩/૨૦૨૩, શનિવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો