સોમવાર, 6 માર્ચ, 2023

આસ્વાદ - પ્રજ્ઞાબેન ધારૈયા દ્વારા

 પીડિતાનું ગીત

ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું

મોટાઘરના માતેલાને લાગી'તી મધલાળ ને ઝાલ્યું પારેવું,
જળછલોછલ વીરડીની તોડી નાખી પાળ ને પીંખ્યું પારેવું,
રાતાંરાતાં પાણીડામાં ચીખોનો ઓવાળ ને ફસક્યું પારેવું,
લીરેલીરા ચુંદડીની માથે નાખ્યું આળ ને ધ્રુજ્યું પારેવું,
ગોજારા અંધારે ડંસ્યું કાળમુખાળું વિષ ને લથડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.

મોટા ઘરના મોભિયાએ કહી દીધું છીનાળ ને નફ્ફટ પારેવું,
માતેલાને દોડવાનો એણે આપ્યો ઢાળ ને નટખટ પારેવું,
અદકપાંસળી વાયરાએ ફેલાવીતી ઝાળ ને ભડભડ પારેવું,
અફવાઓના ટોળેટોળા થઈને આવ્યા કાળ ને હડબડ પારેવું,
વેરણછેરણ માળા ઉપર બોલે કાદવઘીંસ ને રગડે પારેવું.
ગોંદરા વચ્ચે ગોકીરો ને ગોકીરામાં ચીસ ને ફફડે પારેવું.
- મુકેશ દવે

યસ....
પારેવું એટલે ભોળું, ભીરૂ અને ગભરુ પંખીડું. પારેવાના પ્રતિકરૂપે અહીં ગરીબ ઘરની, સામાન્ય સ્ત્રીના શોષણની વાત કવિએ મર્મવેધક રીતે રજુ કરી છે. સમાજના વિકાસની સાથે સાથે સ્ત્રીઓ માટે પણ શિક્ષણ અને કારકિર્દીની દિશાઓ ખુલી ગઈ. સ્વતંત્રતા વધી. અને સ્ત્રીઓની સ્વપ્નની આંખ ખુલી અને ઉડવાને પાંખ પણ ખુલી. અરે દસે દિશાઓ એના માટે ખુલી  ગઈ. પણ પંખિણીને ક્યાં ખબર છે કે અવરોઘ આકાશમાં પણ હોય!
   ઇસ્મત ઉપર ક્રૂર પંજો પડે ત્યારે તેનું મોં બંધ થઈ જાય છે. ગોકીરો જ એવો થાય છે    કે એની કેફિયત સાંભળે પણ કોણ?
      નફ્ફટ નબીરાઓને છાવરવા માટે ગામનાં મોટાં માથાઓ પણ એ અબળાનું જ મલીન ચિત્ર ચીતરે છે. છિનાળ, કુલટા જેવા વિશેષણો સ્ત્રીને સાવ લાચાર કરી મૂકે છે‌.
      "અદકપાંસળી વાયરો ..." વાહ! કાનોપકાન થતી વાત માટે કેવો સરસ શબ્દ પ્રયોગ  કવિએ પ્રયોજ્યો છે!
   સત્યનું એક વજન હોય છે.પણ રે વિજ્ઞાનનો નિયમ! હલકું જલ્દી ઉંચકાય એ ન્યાયે સ્ત્રીની સચ્ચાઈ કરતાં એની બદનામી જલ્દી ફેલાઈ જાય છે. બસ પછી શું? વેરણ છેરણ માળો અને વેરણ છેરણ જિંદગી!
    પ્રસ્તુત ગીત માટે લોક બોલીની શૈલી પસંદ કરવા બદલ મુકેશજીને દાદ આપવી પડે. સ્ત્રીના અંદર બહારના ઉઝરડાં પ્રસ્તુત શૈલી સિવાય ઉજાગર થઈ શક્યા હોત કે કેમ એ સવાલ છે. મીઠી વીરડીની તૂટેલી પાળ, રાતાં ચોળ પાણી તો લીરેલીરા થઈ ગયેલી ચુંદડી જેવા શબ્દ પ્રયોગ પીડિતાનાં અંગ અને ઇજ્જત પર થયેલા જોરજુલમને વર્ણવવા માટે સક્ષમ છે.
     અતિ સંવેદના સભર ગીત પ્રસ્તુત કરવા બદલ દિલથી 
   ધન્યવાદ, દવે સાહેબ....💐💐💐💐
    પ્રજ્ઞા ધારૈયા,
  ૬/૩/૨૦૨૩.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો