રવિવાર, 17 સપ્ટેમ્બર, 2017

ર.પા.ના ગીતનો આસ્વાદ



આસ્વાદ- (By -મુકેશ દવે)
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
રમેશ પારેખ

                રમેશ પારેખ આ છ અક્ષરનું નામ બોલીએ ત્યાં આખું મોં ગીતોથી ગળચટ્ટું થઈ જાય. શ્રી રમેશ પારેખ જાતને દોર બાંધી ઉડાડનાર અને કંઈક ભાળી ગયેલો સર્જક. કવિતાના દરેક સ્વરૂપમાં ખેડાણ કરનાર આ કવિના ગીત અનોખી ભાત પાડે છે.એમના ગીતોમાં સોરઠી લય, ગ્રામ પરિવેશ, તળપદા લહેકાની તાજગીથી રમેશાઈ ખીલી ઊઠે છે. એમના ગીતોમાં ભાવક અર્થને હડસેલી લયાન્વેષમાં રત થઈ જાય છે.   આવા રમેશબ્રાંડ અનેક ગીતો લોકહૈયે સ્થાપિત થયાં છે જેમાંનું એક ગીત તે આ "ગાતાં ખોવાઈ ગયું ગીત,"
                શ્રી રમેશ પારેખનું આ નખશિખ સુંદર અને અનુભૂતિનું ગીત.એનો અર્થ કરવા બેસીએ તો અનર્થના અડાબીડ જંગલમાં ભટકી જવાનો ભય રહે. ભાષા અભિવ્યક્તિ, રૂપકપ્રયોજન અને લયથી લથબથ આ ગીત વાંચતા વેંત જ હૃદય સુધી પહોંચી જાય તેવું છે. શ્રી રમેશભાઈના સાથીદાર કવિ શ્રી અરવિંદભાઈ ભટ્ટ કહે છે કે આ ગીત કવિમુખે અનેકવાર સાંભળ્યું છે ને દરેક વખત આનંદ બસ આનંદ જ...... ગમ્યું એટલે બસ ગમ્યું, એનાઅર્થ વિસ્તારમાં પડવાનું ક્યારય મન જ ન થયું. એ આ ગીતની વિશેષતા.
                પહેલાં તો આ ગીત વાંચતા કવિશ્રી ઉમાશંકર જોષીનું "ગીત અમે ગોત્યં ગોત્યું ને ક્યાંય ના જ્ડ્યું." યાદ આવી જાય. પરંતું બન્ને ગીત જુદાંજુદાં સંવેદનોને તાકે છે. કવિશ્રી ઉમાશંકરની રચના ગીત શોધવા પ્રકૃતિ પાસે જાય છે. જ્યારે શ્રી ર.પા.ની આ રચના ગીતની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે.
                કવિ ખૂબ સંવેદનશીલ છે. ગીત પ્રત્યેનો એમનો લાગાવ એટલો બળુકો છે કે ગીત ગાયેલું હોવા છતાં એને ખોઈ નાખ્યાનો વસવસો અભિવ્યક્ત કરે છે.કવિનું ગીત ગાતાગાતા કલરવની ભીડમાં ખોવાઈ ગયું છે એની શોધ કરવી છે અથવા નવું ગીત લખવાની સ્ફૂરણા પામવી છે .પ્રકૃતિમાં ગીતનું ભરોભાર અસ્તિત્વ રહેલું છે.ઝરણાંના ખળખળમાં ગીત, પવનનની મંદ ગતિમાં ગીત, વૃક્ષોના લહેરાવામાં પણ અલગ ગીત..... પ્રકૃતિના આ તમામ ગીતો કાન દઈને તલ્લીન થઈને સાંભળો તો જ સંભળાય. પંખીઓનો કલરવ તો મીઠો હોય પણ અહીં કલરવની ભીડનો નિર્દેશ કાગડાના ક્રાઉંક્રાઉંને સામે લાવી મૂકે છે જે કૃત્રિમતામાં અને માનવનિર્મિત ઘોંઘાટમાં આ ગીતો ખોવાઈ ગયાનો નિર્દેશ આ ગીત કરે છે.અને કવિની ગીતશોધનો પ્રારંભ થાય છે.
                રાત્રિનું સૌંદર્ય અને એનું ગીત માણવા કવિ ઘેઘૂર ઉજાગરો કરે છે એમને આ ગીત છટકી ન જાય એની ચીંતા છે ત્યાં પરોઢ થઈ જાય છે.અને ઉજાગરાનો ભાર આ પરોઢને ઝાંખું પાડી દે છે.એકાદા ગીતની સ્ફૂરણા માટે પંખીના માળામાં શોધવા જાય છે ત્યાં પણ ખાલી આકાશ છે પંખી નથી તો ગીત કેમ સંભવે ? માળામાં આકાશને બેસાડી શૂન્યવકાશ અને પ્રાકૃતિક અંગો અદૃશ્ય થયાનો નિર્દેશ અહીં સાંપડે છે.
                કવિની દુર્દશા જુઓ કેવી સંદિગ્ધ છે ? પ્રકૃતિનો નાશ કર્યા છતાં માણસ પ્રકૃતિનું સાન્નીધ્ય ઝંખે છે એટલે પથ્થર અને કાગળમાં તેને કંડારવાનો પ્રયાસ કરતો રહે છે. પણ આ કૃત્રિમતામાં કુદરતનું ગીત કેમ પ્રગટે ? પથ્થરમાં કંડારેલ દીવા આંગળીની ફૂંકથી ઓલવી ન શકાય,ચીતરેલાં તળાવ પાણીથી ગમે તેટલાં ફાટફાટ હોય પણ એ પી ન શકાય, દોરેલાં જંગલની લીલાશ અને ઝાકળ તરણાંને ભીંજવી ન શકે- જેવા અફલાતૂન રૂપકો દ્વારા કવિ આજની કૃત્રિમતામાં આ કુદરતી શાશ્વત ગીત ખોવાઈ ગયાનો નિર્દેશ કરે છે. જો એમ ના હોય તો કવિ કવિતાની વસૂકી ગયેલી પળને ફરી ઓધાનવતી કરી શકે  
                આમ, ગીતની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આ ગીત નવું જ સંવેદન અને નવી જ ચેતના આપી જાય છે. એમ છતા આ ગીતને વિસારવા જતાં – આસ્વાદવા જતાં ગીત મમળાવવાની મજા ઓગળી જતી હોય એવું આટલા આસ્વાદ પરથી લાગે છે. આ ગીતને ગાવાને અને પઠવાની મોજ આસ્વાદથી ક્યાંય આગળ નીકળી ચૂકી છે.આ કવિની કલમની તાકાતનો પરચો છે, કવિએ ગુજરાતી ગીતોને વેવલાવેડાંમાથી બહાર કાઢીને આવા ગીતો દ્વારા નવી દિશા આપી છે એ બદલ ગુજરાતી ગીત સદાય એમનું ઋણી રહેશે.                    
                                                મુકેશ દવે
                                                                                ૧૫, પ્રગતિનગર, લાઠી રોડ,
                                                                                અમરેલી. ૩૬૫૬૦૧
                                                                                મો.નં. ૯૪૨૭૨૬૧૦૧૫
                                                                                       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો