શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

મુ.શ્રી ભરત ત્રિવેદીકૃત "અછાંદોત્સવ" વાંચીને.......
*********************************

વાયરલ જ્વરગ્રસ્ત
હું
પથાર્યવસ્થામાં
'અછાંદોત્સવ'ની
આરપાર ઉતરી જાઉ છું,
ધારદાર શબ્દો-
એક્યુપંક્ચરની સોય થઈ
ગમતીલું ભોંકાય છે,
રૂયાટાં ગોદડાંનું આવરણ
હટી જાય છે ને-
ગલુડિયું
ઘરને બદલે મને શોધી કાઢે છે,
વંદો-દીપડો-ચકલી-બકરી-મકોડો ને કાગડો
મને
ભીષ્મકાલીન અશ્વ પર બેસાડી
વતનની સૅર કરાવે છે,
રણ ટપકતી આંખે ઊંટ
મારા કોફી ટેબલ પર બેસી જાય છે ને-
વાસનાના સાપોલિયાં રમાડતા બાપને લઈ
દીકરો અદૃશ્ય થતો જાય છે,
નળની નીચે ખાલી બાલદીમાં
ટપટપ સંગીત છલકવા લાગે છે,
છીપલી આખા દરિયાને ભરી લાવી છે
મારા પલંગને હાલકલોલક કરવા...
બારીમાંથી આખું શહેર મારા ઘરમાં ઘૂંસી આવ્યું છે,
ઢેફું ખાતાં દાદી
બોખાં મોઢે તુલસીક્યારો પૂજે છે,
મારો આત્મારામ
આ ઉત્સવમાં રમમાણ થયો છે.
........................................
"કહું છું ગોદડાં કાં કાઢી નાખ્યા ??
તાવથી ધગધગો છો ને બેઠા કાં થયા ??"
શ્રીમતિની શબ્દ-બૂલેટથી
તાવભર્યો દેહ ઢંકાય છે ગોદડાંઓથી
ને
મન:પટ પર
શ્રી ભરત ત્રિવેદીને
મરક મરક હસતા
ઉતાવળે શબ્દોનાં પોટલાં લઈ
જતા જોઈ રહુ છું.......... !!!!!!!!!!!!

- મુકેશ દવે
અમરેલી
તા.૦૧/૦૧/૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો