શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2017

પતંગની જાત - અછાંદસ

વ્યથા(અછાંદસ)

આ પતંગની જાત,
છેક સાવ કજાત.
એય અમારી જેમ ગગનવિહારી જમાત.
અમારા મલકમાં કરે ઘૂંસપેઠ,
સાથે છૂપા ચાઈનીઝ હથિયાર,
મચાવે હાહાકાર.
એનો છૂપો દોર;
કાપે અમારી જીવનદોર.
એ ઊંચે ચડતા પોતાના
જાતભાઈને જ કાપે,
પછી અમારી શી વિસાત !!
અરે ! માણસ જેવી ચાલાક જાત !
એનાય
આંગળા કાપે,
ગળા કાપે
ને ધાબેથીય પછાડે,
ત્યાં અમ ભોલુડાની દશા અમાપ,
અમારી પાંખોને બદલે આંખોમાં ફડફડાટ.
છતાં પણ
તે પંખી થોડા છે !!!
અમારી જેમ મુક્ત ક્યાં છે ?
એને તો પવન અને દોરનો સહારો જોઈએ,
કોઈનો ઈશારો જોઈએ,
કપાયા પછી પણ એનું ના ચોક્કસ ઠામ.
તે ગમે ત્યાં કરે ઘાત.
આ પતંગની જાત,
છેક સાવ કજાત.
- મુકેશ દવે (અમરેલી)

૧૪/૦૧/૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો