બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

સ્તુતિ - હે જગ જનની

ભક્તહૃદય દૈવી - અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈને કે સુખની પ્રાપ્તિ માટે મથતો માણસ આપત્તિઓથી ઉગારવા સર્વશક્તિમાનને પ્રાર્થે છે.આવી કાવ્યરચના સ્તોત્ર કે સ્તુતિ કહેવાય છે. ગુજરાતી ભાષામાં રચાયેલી"શાંતિ દુર્લભ"ની આ સ્તુતિ એ ભક્તિની અને માનવ મહેકની પરકાષ્ઠા બતાવે છે.

સાખી….
ચિંતા વિઘન વિનાશીની કમલાસની સકત.
વીસહથી હંસવાહીની મને માતા દે હો સુમત
અરજ સુણી ને અમ તણી હે ભગવતી…
(સાખી અધુરી છે પૂર્ણ કરવા મદદ કરશોજી)

હે જગ જન ની, હે જગદમ્બા
માત ભવાની શરણે લે જે

આદ્ય શક્તિ મા આદિ અનાદિ
અરજી અંબા તું ઉરમાં ધરજે…હે જગ જન ની

હોય ભલે દુ:ખ મેરુ સરીખું મા
રંજ એનો ન થવાં દેજે
રજ સરીખું દુ:ખ જોઈ બીજાનું
મને રોવા ને બે આંસુ દેજે…હે જગ જન ની

આતમ કોઈનો આનંદ પામે
તો,ભલે સંતાપી લે મુજ આતમ ને,
આનંદ એનો અખંડ રહેજો
સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને..હે જગ જન ની

ધૂપ બનુ સુગંધ તું લે જે મા
મને રાખ બની ને ઉડી જાવા દેજે
બળું ભલે પણ બાળું નહિ કોઈને
જીવન મારું તું સુગંધિત કરજે …હે જગ જન ની

કોઈ ના તીર નું નિશાન બનીને
દિલ મારું તું વિંધાવા દેજે
ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈને
મને ઘાયલ થઈ પડી રેવા દેજે…હે જગ જન ની

દેજે તું શક્તિ દે જે મને ભક્તિ
દુનિયાના દુ:ખ સહેવા દેજે
શાંતિ દુર્લભ તારા ચરણે
હે મા તું મને ખોળે લેજે …હે જગ જન ની

આદ્ય શક્તિ હે મા આદિ અનાદિ
અરજી અંબા તું ઉરમાં ધર જે…હે જગ જન ની

3 ટિપ્પણીઓ:

  1. સાખી પુર્ણ કરવી જરૂરી છે,જેથી ગાનારને સાચા શબ્દોની મદદ મળે..જય માતાજી.

    જવાબ આપોકાઢી નાખો
  2. ચિંતા વિઘન વિનાશીની કમલાસની શકત |
    વીસહથી હંસવાહીની મને માતા દે હો સુમત ||
    અરજ સુણીને અમતણી, હે ભગવતી રહેજો ભેર |
    દૈત્ય વિડારણ દેવીઓ, મા તું કરજો મેર ||

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અરજ સુણી ને અમ તણી હે ભગવતી કહેજો ભેદ,
      દૈત્ય વિહારણી દેવીઓ માતા કરજો મ્હેર...

      Source: https://youtu.be/6tQBqrhFsFA

      કાઢી નાખો