ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2017

ભઝલ :-નાઝિર દેખૈયા

ભઝલ :-
[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ] શ્રી Janak M Desai sirના આભારસાથે

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે

સદા યે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો ,
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં,
કમળ બિડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે

ધરાવાસી ન હો જેમાં કરું શું હું એ જન્નત ને
ન જેમાં હોય ગુલ બુલબુલ, ન મુજને એ ચમન દેજે

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ 'નાઝિર'ની
“રહે જેનાથી અણનમ શીશ મુજને એ નમન દેજે'' …............- નાઝિર દેખૈયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો